ગા*૧૦
યુગ શું છે? સરવાળા છે ક્ષણ ક્ષણના ,
ક્ષણ શું છે? દિલ ઉપર ઘા છે ઘણના.
સ્મિત પણ આવે થઈને આંસુ છાનું ,
આંસુ શું છે? નિ:સાસા મણ મણના.
મીઠા રણકંતા રવ છે કંકણના,
કંકણ શું? ભણકારા છે સાજણના.
આંબા ડાળે કોયલ, મેના ટહુકે ,
ટહુકા શું ? ધબકારા વિરહી જણના .
કેવાં આવે ખુલ્લી આંખે સપનાં,
સપનાં શું ? પલકારા છે પાંપણના.
મૃત્યુ પડદા ખોલે નવજીવનના,
જીવન શું ?પડછાયા છે ખાંપણના.
છેલ્લે છેલ્લે પાગલ થઈ ઈચ્છાઓ,
ઈચ્છાઓ તો મૃગજળ છે ભવ-રણના.
ધ્યાન ધરો તો રસ્તો ચીંધે ઈશ્વર,
ઈશ્વર શું? આતમ દીપક જણ જણના.
~ રશ્મિ અગ્નિહોત્રી

