ઊંડા જળ ને ખૂબ વમળ છે,

જોવું અઘરું મનનું તળ છે.


*હોઠ હસે છે આંખ વિકળ છે*

મન ભીતર ભારે ખળભળ છે.


વીંછી એરુ પેઠો જાણે,

અંતરમાં કેવી સળવળ છે.


માયાના ઊડે છે પડદા ,

પળની અંદર કેવાં છળ છે.


દોડી દોડી થાકી પાછળ,

પણ કિસ્મત બે ડગ આગળ છે.


આવે છો ને આફત લાખો,

હું તારું તું મારું બળ છે.


ચિત્રામણ ચાલુ છે મારું,

એનું મન કોરો કાગળ છે.


તરસી આંખો છે યુગયુગથી,

દર્શન તારું પળ બે પળ છે.


ભવસાગર છે તરવો મારે,

નાવ ગઝલની,આશ પ્રબળ છે.


- રશ્મિ અગ્નિહોત્રી