બળે છે આખી ધરા ઉનાળે,
વસે છે જાણે ભઠ્ઠી વચાળે,
જુઓ આ હાલત થઈ શું જગની,
અગનની જ્વાળા ગગન ઊછાળે.
પરબ લગાવો બરફ જમાવો ,
તરસ અમારી કોઈ બુઝાવો,
ગરમ હવાઓ વહી રહી છે ,
જરા કુલર કે એસી ચલાવો.
થયાં છે ફૂલો જો રાતાં પીળાં
ધરાનો ગુસ્સો જરા શમાવો,
નગર અમારું બન્યું છે સહરા,
હવાને કોઈ સુખડ લગાવો !
ઘણા ફરે છે પગે ઉઘાડા,
સહાનુભૂતિ જરા બતાવો,
છે શોષ કંઠે પડ્યો ઘણાંને,
દયાથી કોઈ જીવન બચાવો.
જરા તમારી પરિષદોથી બહાર આવો, 'બહાર' લાવો,
તમારી પાછળની પેઢી માટે ,ધરા બચાવો, ધરા બચાવો...
-રશ્મિ અગ્નિહોત્રી
છંદ -લગાલગાગા*૪

