એ થાકીને બેસે ત્યારે, એની ભીતર ઘર દોડે છે,

જ્યાં પાંપણ એ મીંચે ત્યાં તો , સપને આવી ઢંઢોળે છે.


બહુ મોંઘી કોઈ વસ્તુને, ઠેકાણે મૂકી ભૂલી જતી,

હસ્તી પોતાની એ રીતે ક્યાં મૂકી , હૈયું ખોળે છે.


એ ગૃહ લક્ષ્મી છે હર ઘરની, ગાંઠે બાંધે છે ઈજ્જતને,

જ્યારે સંકટ આવે ઘર પર, પોતાનો ગલ્લો ફોડે છે.


ઘરમાં સૌથી વ્હેલી ઊઠી, એ લઈ આવે છે અજવાળું,

રાતે દરવાજે તાળું દઈ, અંધારાને ફંગોળે છે.


મૂકે આણાની પેટીમાં, એ સૌથી નીચે નાજુક મન,

સૌ શોખ સ્વયંના વીસરતી, જ્યાં અંગે પીઠી ચોળે છે.


સૌ સ્વાદ, સુગંધ ને રંગોને ,એ ઘરમાં ગોઠવતી રહે છે,

સપનાંની નાનકડી ગઠરી ,એ બાંધે છે ને છોડે છે.


ઉંબર પૂજી,તોરણ બાંધી, એ સુખને ઘરમાં લઈ આવે,

સિંદૂરી સૂરજ ઝગમગતો, બાંધ્યો એણે ઘરચોળે છે.


રશ્મિ અગ્નિહોત્રી

૮/૩/૨૦૨૫