દર્દથી પીડાઉં છું, પણ કદી રોતો નથી ,

એટલે શાયદ પ્રભુ તું મને જોતો નથી.


હું છું ત્યારે તું નથી, ખેલ ચાલુ છે હજી ,

તું જ તું તો હોય છે જ્યારે હું હોતો નથી.


હાથ બાળે, વખ પી લે, અવળાં ઓઢે ઓઢણાં,

કોણ પામીને તને ભાન સૌ ખોતો નથી?


ઝીણી ચાદર મેલી બહુ, આખી બદલી નાખ તું,

આંસુ ખૂટ્યાં ધોઈને, થાક્યો હું ધોતો નથી.


એક ઉખાણું અકળ, આવડે તો બેડો પાર,

આમ સૌની ભીતરે , આમ ગોતો તો નથી.


~ રશ્મિ અગ્નિહોત્રી