-રશ્મિ અગ્નિહોત્રી
સાકાર નિરાકાર વચ્ચેનો વિસ્તાર પળેપળ બોલાવે,
જે સચરાચરમાં સંચરતો અણસાર પળેપળ બોલાવે.
લાખો જન્મોના કર્મોની વણઝાર પળેપળ બોલાવે,
*વૈરાગ નિરંતર ખેંચે છે, સંસાર પળેપળ બોલાવે.*
આ ટુકડે ટુકડે જીવ્યાનો ધબકાર પળેપળ બોલાવે,
ને પળ-પળ જીવી લેવાનો પડકાર પળેપળ બોલાવે.
જ્યાં ઉંબર પૂજ્યા વર્ષોથી ને તોરણ બાંધ્યા લીલાંછમ,
જાતી વેળાએ રોકીને એ દ્વાર પળેપળ બોલાવે.
એક આછાં સ્પર્શે રણઝણતી, સૂરોથી ઘાયલ જે કરતી,
એ તારી-મારી યાદોની સિતાર પળેપળ બોલાવે.
ના હાથ પસારું કોઈ પાસે, ના દીન બનીને કરગરવું,
આ જીવન મોંઘું દેનારો દાતાર પળેપળ બોલાવે.
કાંઠા પર બેસી છબછબિયાં,એ વાત મને મંજૂર નથી,
મોતી નીપજતાં ના તટ પર, મઝધાર પળેપળ બોલાવે.
મારા જીવનનો મર્મ છે શું, આ પાર હજી હું શોધું છું,
કોઈ સાવ અગોચર સાદ કરી,ઓ પાર પળેપળ બોલાવે.
બસ! અજવાળું ભીતર લઈને જાવું છે મારે જ્યોત થઈ,
જ્યાં સપ્તર્ષિનો ટમટમતો ઝબકાર પળેપળ બોલાવે.
-રશ્મિ અગ્નિહોત્રી

