રાત પડે ને
ઊતરી આવે
શબ્દકોષમાંથી
પંખીઓનાં ટોળેટોળાં
મારા મનોમસ્તિષ્કની ધરા ઉપર...
ટહુકા કરતાં
ચણતાં જાય મારી નિંદરનો કણ કણ
ને હું ગાતી રહું
રે પંખીડા સુખથી ચણજો...
પરોઢ થતાંમાં
ટહુકા મૂકીને
ઊડી ઊડી જતાં દૂર સુદૂર ક્યાંક ...
ને
હું જોતી રહું
ધૂળમાં
એમનાં પગલાંથી પડેલી રંગોળી...
ને ખરેલાં પીંછા સમી
સુંદર કવિતા!
રશ્મિ અગ્નિહોત્રી (અમદાવાદ)

