જ્યારે ખોટી વાત બરાબર કહેવાશે*
હા કરનારા સૌને કાયર કહેવાશે.
તારી છત જો મૂકી દે તું એની પર,
ચાર દિવાલો પણ ઘરનું ઘર કહેવાશે.
સુંદર, મોટી મૂર્તિ પણ પથ્થર લાગે
શ્રધ્ધા હો તો કણકણ ઈશ્વર કહેવાશે.
તું જીવન બોલે, હું કહું કે પ્રેમ ફકત
તારો મારો એકજ ઉત્તર કહેવાશે
સત્યકથાઓ જીવનભર જો દંભ કરે,
દંતકથાઓ જૂઠ સરાસર કહેવાશે.
કમભાગી પગ લાંબા મારા સપનાનાં
પરસેવો તો ટૂંકી ચાદર કહેવાશે
આવેગો ને સ્પંદન બુધ્ધિમાં ભળતાં
જીવનમાં ભાવોનું નડતર કહેવાશે
ભેદ નહીં પણ જેને હૈયે ભાવ વસે,
એવા જણને દૂધ માં સાકર કહેવાશે
માણસ-માણસ વચ્ચે જ્યારે ભેદ ન હો
મૃત્યુલોકને તો અમરાપર કહેવાશે
પીડાઓનો પાર નથી,જઈ કોને ત્યાં
ઈચ્છાઓનું ઊંડું કળતર કહેવાશે ?

