જરા વાંચી શકો તો લેજો વાંચી,

"અમારી આંખની ભાષા ઉદાસી".


સફર આખી અમે વીતાવી જાણે

કોઈ નકશા વિના ભટકે પ્રવાસી.


તમે તો આયખું છલકાવ્યું આખું,

અમે 'ર્યા જાણે જલમેં મિન પિયાસી.


ખજાનો સામટો લૂંટાઈ 'ગ્યો છે,

આ શબના લો જરા ગજવાં તપાસી.


હતી તો નાવ પણ મજબૂત એની,

કરે એ શું, મળ્યો અણઘડ ખલાસી.


ન સમજાયા કદી અહીંના રિવાજો,

અમે જાણે રહ્યા પરગ્રહ નિવાસી.


તમારી આંખનું આંસુ હું ખારું,

તમે પણ પીડા મારી બારમાસી...


-રશ્મિ અગ્નિહોત્રી