ના આમ ભાગું ના તેમ દોડું , ઠરીને બેસું જરા નિરાંતે, 

અફર છે મરવું તો શાને ડરવું ,સપનને અડકું જરા નિરાંતે.

સબંધો બાંધું, ને સ્નેહ આપું, સ્મરણ બનાવું જરા નિરાંતે,

નથી રે હોતાં કફનમાં ખિસ્સાં, હૃદયમાં ભરવું જરા નિરાંતે.

મળ્યું છે જીવન મનુષ્ય થઈને, બધું યે કરવું જરા નિરાંતે ,

આ ગાડી,વાડી અહીં જ રહેશે,જીવનને મળવું જરાનિરાંતે.

સમયના ઉડતા વિહગને પકડી રમત રમાડું જરા નિરાંતે,

ફગાવી બંધન જગતના જૂઠાં સ્વયમ્ ને બાંધું જરા નિરાંતે.

નથી ઉતાવળ,નથી અટકવું, હું રસ્તો કાપું જરા નિરાંતે,

રદીફ જકડી , ને છંદ પકડી, ગઝલ લખું છું જરા નિરાંતે.

લગાવું દાવે સકળ મનોબળ ,ના હારું હિંમત, ના ધ્યેય છોડું,

સફર છે લાંબી,અકળ છે રસ્તો,બનાવું ભાથું જરા નિરાંતે. 

ધરાને ચાહું ,ગગન નિહાળું,હું અડકું ઝાકળ ને પકડું વાદળ,

નદી ને દરિયો, વનો ને પર્વત, સકળને પામું જરા નિરાંતે.

આ દેહ લાખો જનમની મૂડી, ના વ્યર્થ જાયે ધરાનો આંટો,

અલખ જગાવું ધૂણી ધખાવું પ્રભુને સ્મરવું જરા નિરાંતે.

- રશ્મિ અગ્નિહોત્રી