આ જંગલ કે પેલું જંગલ?
દિલમાં ચાલે કુસ્તી દંગલ,
ન્હોર છુપાવી હાથ મિલાવે,
મીઠી જીભે વિષ પીવડાવે,
રાગ દ્વેષ ઈર્ષાથી ભરેલાં....હિંસક પ્રાણી આ કે પેલાં?
ભૂખ વિના મોઢું ના માંડે,
કારણ વિના ના રંજાડે.
મ્હોરાં નહીં, છીંકોટો ખાતાં,
જેવાં છે તેવાં દેખાતાં,
એ તો ઓળખવામાં સહેલાં.... હિંસક પ્રાણી આ કે પેલાં?
અહીં તો ભીતર વીંછી એરુ,
છૂરો ભોંકે થઈને ભેરુ,
ના કરવાનાં કામો કરતાં
આજુબાજુ છૂટ્ટા ફરતાં,
લાગે ચોખ્ખાં, મનનાં મેલાં ....હિંસક પ્રાણી આ કે પેલાં?
~ રશ્મિ અગ્નિહોત્રી (અમદાવાદ)

