શિવા-શિવાનો નાદ છે, આ ચિત્તના વિચારમાં,

પ્રણવની ગૂંજ ઊઠતી, હૃદયના તાર તારમાં.


જગત જુએ છે ફૂલ સૌ, ઊગ્યાં છે જે સવારમાં,

ખબર નથી કે મૂળિયાં મથ્યા છે અંધકારમાં.


એ મૌન પ્રેમ સત્ય છે , ન માને જીત હારમાં,

જે બે દિલોની વાત છે, નથી લખી કરારમાં.


વહ્યાં નથી જે આંખથી આ આંસુઓની ધારમાં,

ઘણાંય સ્મિત ને હાસ્ય છે રૂદનના એ પ્રકારમાં.


સદા રહે સ્મરણ મહીં જે પ્રીત છે હૃદય તણી,

એ ધક-ધડક અવાજમાં, એ શ્વાસની સિતારમાં.


ખુશીની હો કે મહેલની,ચમક ખલાસ થઇ જશે,

જલદ ઘણું છે એવું કંઈ એ આંસુભીના ક્ષારમાં .


કદી જો આવું સ્વપ્નમાં તો ઓળખી જજે મને,

ભરી સભામાં તેં હલાવી ડોકી છે નકારમાં .


કરી હતી શરુ મેં તો કથા જ મારી શૂન્યથી,

મળી જવું છે શૂન્ય થઇ અનંત સૂનકારમાં.


ક્ષણે ક્ષણે એ સંભવે , ધરીને રૂપ જૂજવે,

જે ચર-અચર બધામાં છે હયાતીના હકારમાં.


~ રશ્મિ અગ્નિહોત્રી