આવી'તી મળવા ને બેસાડી દળવા 

હવે ઝીણું દળુ કે દળુ જાડું?

બોલો પ્રભુ,

હોઠે છે કેમ હવે તાળું?!


આવી 'તી ભવભવના ફેરાઓ ટાળવા 

બેસાડી દીધી મને ચિઠ્ઠાઓ ફાડવા 

બિલોને ચૂકવવા છેડાઓ તાણવા 

પૈસાનો વહેવાર, ભરવા, ઉપાડવા, 

દુઃખોના ઝાડવાં ને કેમ કરી વાઢું ? - બોલો પ્રભુ 


ખુલ્લા આકાશ નીચે લેવા'તા શ્વાસ બે,

જીવતર ગઝલના કહેવા'તા પ્રાસ બે,

આયખાની વાટ મહીં મૂકવી'તી યાદ બે,

તારા ય કાન મહીં કહેવી'તી વાત બે,

ચઢી આવ્યું જીવતર પર ઈચ્છાનું ધાડું... બોલો પ્રભુ 


લાખો ફેરા પછી મોકલી છે તેં અહીં,

કરવાનું શું છે અહીં, કહી દે તું સાન મહીં,

કોરા આ જીવતર પર કરી દે તારી સહી,

આપી દઉં આવરદા થોડીઘણી જે રહી,

તું જો મળે તો તારા ખભે માથું ઢાળું ... બોલો પ્રભુ 


-રશ્મિ અગ્નિહોત્રી