કોઈ ખાખી ને હિસાબી ડાયરી ,

શરબતી છે કો' નશીલી ડાયરી.

ના કશું છૂપાવે મારી ડાયરી,

જિંદગી ખુલ્લી પડેલી ડાયરી.

ભાષા શીખી લો તમે જો પ્રેમની,

આંખમાં વંચાય આખી ડાયરી.

પાન-પાને છે ભરેલી યાદ સૌ,

સાચવે થાપણ તમારી ડાયરી.

ભાષા શીખી લો તમે જો પ્રેમની,

આંખમાં વંચાય આખી ડાયરી.

કોઈ ખુલ્લી, ને ચપોચપ કોઈ બંધ,

ફાટી-તૂટી કોઈની થઈ ડાયરી.

કાળો ધોળો ભેદ એમાં સાચવી ,

ફરતાં સૌ બગલોમાં દાબી ડાયરી.

કેવી રીતે આપશો એ ઉત્તરો,

પૂછશે પ્રશ્નો જો મારી ડાયરી.

એકસરખી બાંધણી એણે કરી,

તોય નોખી ભાત સૌની ડાયરી .

જઈને સોંપી દેજો ઈશના હાથમાં,

મન-વચન-કર્મે લખાતી ડાયરી.

જે ગણો તે મારી મૂડી આટલી,

વારસામાં લો ગુલાબી ડાયરી.


~ રશ્મિ અગ્નિહોત્રી