ન તો એક ફૂલ માગું ન તો આખો બાગ આપો,

છે સુવાસથી જ નિસ્બત, મને એમાં ભાગ આપો.


મુરઝાય નહીં કદી પણ, ઉરે એવો ફાગ આપો,

ને છૂટે નહીં કદાપિ સદા એ સુહાગ આપો.


એ પ્રણવનો નાદ આપો, એ હૃદયનો રાગ આપો

રહે જીવથી શિવ ન જુદો, ફરી એ પ્રયાગ આપો


મને એટલી ખબર છે, કે તનેય છે ઊતાવળ,

પ્રભુ ક્યાં ને ક્યારે મળશો, જરા તો સુરાગ આપો.


સદા આંખથી છો ઓઝલ, હવે ઝાઝું ના સતાવો,

કરું હું તમારો થપ્પો, કદી એવો લાગ આપો.


નથી ચેતના ન ઊર્જા, નથી સૂધ કે ન શક્તિ,

બધી ઊંઘ જાય ઊડી, એ ઘડી સજાગ આપો.


ન તો હું તરી શકું છું, ને સરિતા આ અજાણી,

જરા હાથ ઝાલો મારો, જરા તળનો તાગ આપો.


જે અણુથી આ રચાયું , જે તિખારે તેજ વ્યાપ્યું ,

મને એ જ તણખો ચાંપો, ફરી એ જ આગ આપો.


-રશ્મિ અગ્નિહોત્રી