મને એવી ખબર નહોતી ભરમ ચાહત બની જાશે,

નહીં બુઝે કદી એવી અમર આરત બની જાશે.


જો સપનામાં તું મળવાને બનાવે રોજની ઘટના,

હકીકતમાં એ ઘટનાઓ પછી આદત બની જાશે.


કહું જો હું કે આ હાલત અમારી થઈ છે કોનાથી,

નગર આખામાં ચર્ચાની કોઈ બાબત બની જાશે.


મળે તું સ્મિત કરી, આંખો પરોવે મારી આંખોમાં, 

કસમથી દુખતા દિલની એ ઘણી રાહત બની જાશે.


ન જોઈતાં કો' તાવીજો, ન ધનદોલતના ઢગલાઓ,

દુઆઓ જો હશે સાથે, એ હિફાજત બની જાશે.


સદીઓથી ને યુગોથી જીવો છો આ જ પૃથ્વી પર,

ધરાને લાગણી આપો, જરા લાગત બની જાશે .


મને ઈશની ખબર ક્યાં છે ,પરંતુ ચાહું સૃષ્ટિને,

વધી જાશે અગર ચાહત તો ઈબાદત બની જાશે.


-રશ્મિ અગ્નિહોત્રી