ભરેલા જગે એક જણ બહુ ગમે છે,
કરે છે પરેશાન , પણ બહુ ગમે છે.
અરણ્યો છતાં જેને રણ બહુ ગમે છે,
તરસનું આ ભોળું હરણ બહુ ગમે છે.
અવરની કથાનું શ્રવણ બહુ ગમે છે ,
વ્યથાનું થતું વિસ્મરણ બહુ ગમે છે .
ભરો શ્વાસ અંદર, તરત પાછો આપો,
હવાનું હિસાબી વલણ બહુ ગમે છે.
અધર પર રમે સ્મિત ,આંખે હો આંસુ,
મને એવી સતરંગી ક્ષણ બહુ ગમે છે .
સ્મરણ મૂકી ભીનું, સતત વધતું આગળ,
સમયનું આ વ્હેતું ઝરણ બહુ ગમે છે.
નથી મોટાં લક્ષ્યો, ફકત થાવું માણસ ,
નિરુદ્દેશે ભવનું ભ્રમણ બહુ ગમે છે .
જરા આંખ મીંચીને ભીતરમાં ભાળું ,
પ્રભુનું થતું અવતરણ બહુ ગમે છે.
~ રશ્મિ અગ્નિહોત્રી (અમદાવાદ)

