*કામિલ છંદ*
~ રશ્મિ અગ્નિહોત્રી
બધું જગ ગુલાબી જો લાગતું, છે નશો ય મારી આ ચાલમાં,
થયા શ્વાસ કેવા ઉપર-તળે, નથી દિલ ધડકતું આ તાલમાં.
જતી રાત સૌ અહીં જાગતાં, છે અજબ દિવાનગી હાલમાં,
જે ઉગે સવારો તમારી છે, બધી સાંજ વીતે ખયાલમાં.
મને ઝંખના થવું તરબતર, ના અબીલ કે ના ગુલાલમાં ,
તમે દઈ શકો તો એ આપજો, જરા બથ ભરી મને વ્હાલમાં.
ઉડી આવું હું જરી વારમાં, કરો યાદ જો તમે હાલમાં,
ખરા દિલથી આપો ને ઉત્તરો, તમે શું વિચારો છો વ્હાલમા?
તમે જાણી ને વિસરી ગયા, ને જતાં જતાં જે નયન મળ્યાં ,
પ્રિય, ત્યારથી હજી બાંધતા, અમે મોગરા એ રૂમાલમાં.
અમે ધારતાં,તો લખી શકત, ઘણાં પુસ્તકો એ જવાબમાં,
છતાં પ્યારથી રહ્યાં ચૂપ અમે, કહો, શું હતું એ સવાલમાં?
નથી જે કદીય મળ્યું કહીં, એ મળી ગયું ખિદમત મહીં,
જે નશો છે આવી ફકીરીમાં ,ના છે સુખમાં કે ના મલાલમાં.
સદા વ્હાલથી તું જે ચૂમતી, મને ગાલ પર, કદી ભાલ પર,
કહું શું તને, હજી હૂંફ છે, _મા_ દુઆઓ ગૂંથી તેં શાલમાં.
~ રશ્મિ અગ્નિહોત્રી

