ગુણ સાથે દોષને પણ એ બતાવે પારખી,
તનના બટવામાં સદાયે સ્વચ્છ મનની આરસી.
દૂર વૃદ્ધાશ્રમમાં છે મા-બાપ - એના બાગમાં
લીલા ક્રોટનમાં જો શોભે પીળી પીળી પાંદડી.
વિશ્વ ઘૂમ્યા, પણ કદીયે મૂળથી અળગા નથી,
આપણે તો ન્યાલ જો હો ચાની સાથે ભાખરી .
જો,સવારે આભમાંથી નીતરે ઝળહળ પ્રભા,
બીત ગઈ સો બાત ગઈ , તું યાદ ના કર રાતની.
બંને સંતાનો છે મનનાં,આમ લાગે જોડકાં,
પ્રેમ છાનો ના રહે પણ લાગણી છે ઠાવકી.
દિલ ન આપો વાંધો નહીં પણ આછું સ્મિત,મીઠી નજર,
કૈંક તો આપો તમે યા ફૂલ નહીં તો પાંખડી.
રાખ મારી લઈ જશે જ્યારે હવાની પાલખી,
ચાંદ સૂરજ વ્હાલથી દેશે સલામી આખરી.
-રશ્મિ અગ્નિહોત્રી

