આ ઈચ્છાઓ ગુલામ કરે ,

ભર દરબારે લીલામ કરે.


જ્યાં ગ્રંથો પણ નાકામ રહે

*ક્યારેક ઈશારો કામ કરે*


સૌ ખાઈ પીને રાજ કરે,

ઈશ્વર એવો અંજામ કરે.


આ સરખેસરખા શબ્દો મહીં

સમજણ જુદા આયામ કરે.


સૌને કણ ઇન્તેજામ કરે,

તું શા માટે ગોદામ ભરે?


છે તાકાત એવી પ્રેમ મહીં,

રાધાનાં જાપ જો શ્યામ કરે!


તું સાહેબ થઈને મ્હાલે

કૃપા તો મારો રામ કરે.


તારું ભાવિ છે માટી મહીં 

તું શાને જીવ દમામ કરે ?


આશાનો તંતુ છોડ નહીં,

પ્રારબ્ધ ભલે આરામ કરે.


જાણે તાણે ભાર શકટનો,

શ્વાન બધું સ્વને નામ કરે.


જે જિહ્વાને ના લગામ કરે

એ કોઈના દિલ પર ડામ કરે.


પૂર્ણ જે કદી છલકાય નહીં ,

ઘોંઘાટ તો ખાલી ઠામ કરે.


તું તારી કિંમત ઊંચી કર

કોઈ તારાં શું દામ કરે?


પયગંબર બુધ્ધ કે રામ કહો

એક સરીખો પૈગામ કરે


ઈલ્તિજા અંતે ખુદાને

ખારીજ બધા ઈલજામ કરે.


- રશ્મિ અગ્નિહોત્રી