એક અંગત વાત લઈને ઊભી છું,

કારમા આઘાત લઈને ઊભી છું.


લોહી, પરસેવો ને ઊનાં આંસુથી

તરબતર આ જાત લઈને ઊભી છું.


ખુલશે જો મુઠ્ઠી, તો એ રાખ છે,

લાખની ઔકાત લઈને ઊભી છું.


સામે આવે વ્હાલ, સામૈયું કરું,

લાગણીની નાત લઈને ઊભી છું.


સપ્તરંગી શોભતો પરપોટો હું,

શ્વાસ-શ્વાસે ઘાત લઈને ઊભી છું.


મોત આવી ક્યારે મળશે, શું ખબર?

જીવની સોગાત લઈને ઊભી છું.


એક શમણું, રાતરાણી, ચાંદની,

રાતની નિરાંત લઈને ઊભી છું.


~ રશ્મિ અગ્નિહોત્રી

૨૦/૩/૨૦૨૫